જય શ્રી કૃષ્ણ 🙏
ભારતીય ઋષિપરંપરામાં શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પરંતુ જીવન ઘડતર હતો. ગુરુકુળ પરંપરામાં શાસ્ત્ર દ્વારા જ્ઞાન, સંસ્કાર, વિચારશક્તિ અને કર્તવ્યબોધનું સિંચન થતું, તો શસ્ત્ર દ્વારા શૌર્ય, આત્મવિશ્વાસ, શિસ્ત અને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવતી. શાર્દૂલ ગુરુકુળ આ જ પરંપરાને આધુનિક સમયની જરૂરિયાતો સાથે જોડીને બાળકના મન, બુદ્ધિ, શરીર અને વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે શાસ્ત્ર અને શસ્ત્ર તાલીમનું આયોજન કરી રહ્યું છે.
આ તાલીમનો હેતુ માત્ર શસ્ત્ર ચલાવવાનું કે શાસ્ત્ર ભણવાનું નથી, પરંતુ સંસ્કાર સાથે સામર્થ્ય અને સામર્થ્ય સાથે સંયમ વિકસાવવાનો છે. શાર્દૂલમાં બાળક જ્ઞાનવાન બને, શિસ્તબદ્ધ બને, નિર્ભય બને, પોતાના પરિવાર અને સમાજ પ્રત્યે જવાબદારી સમજે અને જરૂર પડે ત્યારે પોતાનું તથા અન્યોનું રક્ષણ કરવાની ક્ષમતા ધરાવે — એ આ તાલીમ પાછળનો મુખ્ય ભાવ છે. “શાસ્ત્રથી વિવેક અને શસ્ત્રથી સામર્થ્ય” સાથે ભારતીય સંસ્કૃતિના આ અમૂલ્ય વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાના આ પ્રયાસમાં આપના શાર્દૂલને જોડવા માટે નીચેનું ફોર્મ ભરી આપશો.
ઇતિ શુભમ,
ઉત્કર્ષ પટેલ (સંયોજક, શાર્દૂલ પરંપરા)