સ્થાપકનો સંદેશ

સ્થાપકનો સંદેશ

એક સ્નેહભર્યો સંદેશ

ભારત માતાના વીર સપૂતોને સાદર નમસ્કાર,

હું, ઉત્કર્ષ પટેલ, આજે તમારી સાથે એક વાર્તા વહેંચવા માંગુ છું. આ વાર્તા આપણા સૌના ગૌરવની, આપણા વારસાની અને આપણા ભવિષ્યની છે.

કલ્પના કરો કે એક સમયે ભારતવર્ષના હૃદયમાં એક ભવ્ય, વિશાળ અને સુંદર વૃક્ષ હતું. આ કોઈ સામાન્ય વૃક્ષ નહોતું; તે આપણી ગુરુકુળ પરંપરાનું જીવંત પ્રતિક હતું. તેના મૂળ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ જીવન દર્શનમાં ઊંડે સુધી ઉતરેલા હતા અને તેની છાયામાં અસંખ્ય જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીઓનું દેશ વિદેશ થી ઘડતર માટે અહીંયા આવતા. આ એ વૃક્ષ હતું જેણે સદીઓ સુધી આપણા સમાજને જ્ઞાન, સંસ્કાર અને મૂલ્યોનું અમૃત પૂરું પાડ્યું.

પરંતુ સમયનું ચક્ર ફર્યું અને કેટલીક બાહ્ય શક્તિઓએ આ જીવંત પરંપરાના મૂળ પર કુઠારાઘાત કર્યો. મેકોલે અને માર્ક્સ તત્વચિંતકોએ આપણી શિક્ષણ પદ્ધતિને જડમૂળથી ઉખાડી નાખવાનો પ્રયત્ન કર્યો. તેમણે આપણી આધ્યાત્મિક અને નૈતિક ધરોહર પર સંશયવાદ, ભૌતિકવાદ, ઉપનિવેશવાદ નો રંગ ચડાવ્યો. ઘણા સદીઓ સુધી મદ્રેસા પદ્ધતિએ પણ આપણા પૂર્વજોના સમૃદ્ધ જ્ઞાનને સંકુચિત કરી દીધું. આ ‘ત્રણ M’ (મેકોલે, માર્ક્સ, મદ્રેસા) ના પ્રહારથી પેલું સુંદર વૃક્ષ જાણે કે નષ્ટ થઈ ગયું.

પણ જેનું મૂળ સનાતન હોય, તેનો અંત ક્યાંથી હોય?

મને એ કહેતા અત્યંત આનંદ અને ગર્વ થાય છે કે હજારો વર્ષોથી ઘાયલ થયેલું એ સુંદર વૃક્ષ આજે ફરીથી ફૂટી રહ્યું છે. તેની કૂંપળોમાં એ જ પ્રાચીન જ્ઞાનની સુગંધ અને આધુનિક વિશ્વને દિશા આપવાની ક્ષમતા છે,  કારણ કે આ રળિયામણા વૃક્ષના મૂળિયા ખૂબ ઊંડા છે, જે ભારતીય જન માનસના રૂમે રૂમમાં, લોહીના કણ કણમાં  અને દરેક સામાજિક અને ધાર્મિક પરંપરાઓમાં  નિહિત છે.

શાર્દુલ પરંપરા:  રઢિયામણા જ્ઞાનવૃક્ષનું પુનર્જાગરણ

ભારતની ચેતનાનું પુનર્જાગરણનું જ એક સ્વરૂપ છે ‘શાર્દુલ ગુરુકુળ પરંપરા’.  મનુ, વશિષ્ઠ, વિશ્વમિત્ર, સાંદિપની, ચાણક્ય જેવા ઋષિઓ અને સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી અને સ્વામી ચિન્મયનાનંદજી જેવા મહાપુરુષો અને લજ્જારામ તોમરજી, ગિજુભાઈ બધેકા, ઈન્દુમતીબેન કાટદરે અને  શિક્ષણશાસ્ત્રીઓના ચિંતનથી પ્રેરિત થઈને, અમે એ જ શાશ્વત ભારતીય મૂલ્યોને પુનર્જીવિત કરી રહ્યા છીએ.

શાર્દુલ શિશુ વિહાર અને શાર્દુલ અન્વેષિકા ખાતે, શિક્ષણ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી, પરંતુ જીવનનું ઘડતર છે. અહીં પ્રાચીન જ્ઞાન અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓનો સુભગ સમન્વય થાય છે. અમારા બાળકો પ્રકૃતિના ખોળામાં, સંસ્કારના સિંચન સાથે અને સમાજ પ્રત્યેની જવાબદારીના ભાવ સાથે મોટા થાય છે. અહીં બાળકને  બાળગીતો, ગીતાજીના શ્લોકો, સ્વદેશી રમતો સાથે વિવેચનાત્મક અને સર્જનાત્મક રીતે વિચારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમે એક એવી પેઢીનું નિર્માણ કરવા માંગીએ છીએ જેમના મૂળ આપણી સંસ્કૃતિમાં ઊંડા હોય, પરંતુ જેમની શાખાઓ સમગ્ર વિશ્વને છાંયો આપવા સક્ષમ હોય.

આ એક યજ્ઞ છે. આ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેનો, આપણા રાષ્ટ્રના પુનરુત્થાન માટેનો અને આપણી સંસ્કૃતિના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો જ્ઞાનયજ્ઞ છે. આ યજ્ઞ કોઈ એક વ્યક્તિનો નથી, પરંતુ આપણા સૌનો છે.

આવો, આપણે સૌ સાથે મળીને આ જ્ઞાનવૃક્ષનું સિંચન કરીએ, તેને પ્રેમ અને સંસ્કારથી પોષીએ, જેથી આવનારી પેઢીઓ તેની શીતળ છાયામાં એક સુખી, સમૃદ્ધ અને મૂલ્યવાન જીવન જીવી શકે.

આપનો જ્ઞાનયાત્રાનો સહયાત્રી,


ઉત્કર્ષ પટેલ
સ્થાપક અને સંયોજક, શાર્દુલ ગુરુકુળ પરંપરા.